ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગા નૃત્ય અને પટા ખેલવા

     મિત્રો લોકનૃત્ય એ આપણી સંસ્કૃતિનું મહત્વનું અંગ પરિપાક છે . વર્ષો પૂર્વે નદી કિનારે જ્યારે સંસ્કૃતિનું પારણું બંધાયું હશે ત્યારે લોક્નૃત્યોનો પણ જન્મ થયો હશે.. પ્રકૃતિની ગોદમાં મસ્ત બનીને વિહરતા આદીમાનવોનાં અંતરમાં આનંદની લાગણી ખીલી ઉઠતી ત્યારે એ હરખઘેલો બનીને નાચવા કે ગાવા લાગતો. આમાં ધરતી સાથે અંતરની પ્રીત બાંધીને બેઠેલા માનવીના આનંદની અભિવ્યક્તિ અને ઉર્મિઓના અવિર્ભાવમાંથી જન્મ્યાં છે આપણા ભાતીગળ અને નૈસર્ગિક નૃત્યો. આમ નૈસર્ગિક વાતાવરણમાં જન્મેલા એ માનવીના પરમ આનંદની અનુભૂતિની નીપજ હોવાથી લોકહૈયે અજબ ગજબનું કામણ કર્યું છે. ગુજરાતના ગરવા લોકજીવનમાં લોક્નૃત્યોનો ભંડાર ભરપુર ભર્યો છે. લોકનૃત્યો સાથે લોકગીતો અને લોક્વાદ્યો પણ જોડાયેલા છે.
     ગુજરાતની સાંકૃતિક લોકકળા ના વારસારૂપ લોકનૃત્યો , લોકઉત્સવો,અને ધાર્મિક પરંપરાઓ સાથે જુના કાળથી જોડાયેલા છે. જોબનીયા ને હેલે ચડાવીને લોકો મેળાઓની મોજ સાથે ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે લોકહૈયા આનંદવિભોર બનીને નાચે છે, ગાય છે.

આવા જ કેટલાક લોકનૃત્યની વાત કરીએ તો અમદાવાદ અને તેની આસપાસ વસ્તી ઠાકોર (ક્ષત્રિય) જ્ઞાતિની સ્ત્રીઓ નોરતામાં કે માતાજીના નીવેજ , બાધા કે જવારાના પ્રસંગે માતાજીના નામનો ફૂલોનો ગરબો કે ફૂલમાંડવી માથા ઉપર મુકીને માતાના ગરબા ગાય છે.ફૂલોનો ગરબો માથે મુકીને નાચવા કે ગાવાનો આનંદ અનેરો હોય છે. આવા ગરબામાં નાના મોટા સૌ કોઈ ભાઈ લઈને પોતાના ઉરનો આનંદ પ્રકટ કરે છે. અમદાવાદ ઉપરાંત આ રીવાજ બનાસકાંઠાના રાધનપુર ને થાળાધરીની કોળણ ( કોળી સમાજની સ્ત્રી) બહેનોમાં પણ જોવા મળે છે.

    ઉત્તર ગુજરાતના ઠાગા નૃત્ય વિષે ચરચા કરીએ તો
ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું નૃત્ય છે. સૌરાષ્ટનાં લોકમેળાઓમાં શૂરાઓના તલવાર રાસમાં જે ખમીર અને જોમ જોવા મળે છે એવું જ જોમ અને ખમીર તે ઉત્તર ગુજરાતના ઠાકોરોના ઠાગા નૃત્યમાં જોવા મળે છે. વારે તહેવારે કે લગ્નના સમયે આ વિસ્તારના ઠાકોરો પગમાં ઉંચી એડીના ચડકીળા બૂટ , અઢીવરકે ધોતિયું, ગાળામાં હાંસડી, પગમાં તોડો, અને કાનમાં મરચી પહેરીને, તેમજ માથે સાફો કે ફાળિયું બાંધીને, હાથમાં ઉગાડી તલવારો લઈને ઠાગા નૃત્ય કરવા નીકળે છે ત્યારે જીવન-મરણના સંગ્રામ જેવું દ્રશ્ય સર્જાય છે. આજે પણ આ નૃત્ય ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આ નૃત્યને પટા ખેલવા એમ પણ કહેવાય છે. આજે પણ લગ્ન પ્રસંગે કે માતાજીના વરઘોડામાં ઠાગા નૃત્ય કે પટા ખેલવાની જૂની પરંપરાઓ ઉત્તર ગુજરાતના આ ખમીરવંતી કોમ જાળવી રહી છે.
.................... ભવાનસિંહ ઠાકુર Blog : bhavansinhji.blogspot.in

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ક્ષત્રિય જાતિઓ અને વસવાટ

ઇતિહાસ અને સમાજ